Trial
[WP-CUMULUS]
Permalink Comments off
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ
અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી
તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા
પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી
ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ
ઉર્દૂ ગઝલના ચમકતા સિતારા અને હિંદી ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રાણ સમા સાહિર લુધિયાનવીના લબ્ધપ્રતિષ્ઠ સંગ્રહ “आओ कि कोइ ख्वाब बुनें”નો ગુજરાતી તરજૂમો એની શાસ્ત્રીય ઉર્દૂ ભાષાના કારણે આમેય અઘરો છે અને વળી છંદ જાળવી રાખીને પદ્યાનુવાદ કરવો તો વળી ઓર દોહ્યલો ગણાય. પણ છંદોની ગલીઓના ભોમિયા રઈશ મનીઆરને કદાચ આ કળા હસ્તગત છે. કૈફી આઝમી, જાવેદ અખ્તર અને પછી હવે સાહિર લુધિયાનવીના પ્રતિનિધિ કાવ્યસંગ્રહોનો સાછંદ પદ્યાનુવાદ -આવો કે સ્વપ્ન વણીએ કોઈ- આપીને એમણે ગુજરાતી ભાષાને વધુ રળિયાત કરી છે. ગુલઝારના કાવ્યોનો અનુવાદ પણ પાઈપલાઈનમાં જ છે. હિંદી ફિલ્મમાં ખૂબ વિખ્યાત થયેલી સાહિરની એક નજમને અહીં આસ્વાદીએ. (લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ રઈશ મનીઆરનો આભાર).
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલી ખાનાખરાબીની ઘીમે ધીમે સારવાર થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખુબ કપરું કામ છે. તબીબો આને માટે Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. પણ આખા શહેરના દિલ પર લાગેલા જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાનો આ લેખમાં છે.
તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની
બેદરકારીને કારણે, પલક મીંચવા-
ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે… ગુજરાતી
વાંચતી-લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની: ‘કાનુડાએ
કોની મટુકી ફોડી?’ એમ પૂછો તો
કહેશે, ‘જેક એન્ડ જિલની’
ગોતીને પાછી લાવનાર માટે
ઇનામ એકે નથી. કારણ કે એ
હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.
-ઉદયન ઠક્કર
(’સેલ્લારા’)
ઉદયન ઠક્કર હંમેશ નવા પ્રયોગો કરતા જ રહે છે.આ ‘ટચૂકડી’ કવિતા એમણે લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી પ્રેરણા લઈને લખી છે.
( મૂળ અંગ્રેજી પંક્તિઓ : Lost, yesterday, somewhere between sunrise and sunset, two golden hours, each set with sixty diamond minutes. No reward is offered, for they are gone forever! )
મુંબઈમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચાલતા કેટલાક વિશેષ કાર્યક્રમોની ઝલક આપતો કૃષ્ણા શાહ તથા નીલા સંઘવીએ લખેલો બહુ જ સરસ લેખ ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? ખાસ વાંચવા જેવો છે. આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જાણીને લાગે છે કે ગુજરાતીને આ સદી તો શું આવતી સદીમાં પણ કોઈ વાંધો આવવાનો નથી !
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.
ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી
મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી
એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી
- પ્રિયકાંત મણિયાર
પ્રિયકાંત મણિયાર તો રુપકોના રાજા છે. કૃષ્ણ–રાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ તમને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
-સંદીપ ભાટિયા
1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.
તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !
- શેખાદમ આબુવાલા